એમ્પ્લોયમેન્ટ ઑથોરાઇઝેશન ડૉક્યુમેન્ટ્સ (EAD)ને આપોઆપ ઑટોમેટિક એક્સટેન્શન મળે તે માટેની નીતિમાં અમેરિકાના ગૃહ વિભાગે ફેરફારો કર્યા છે તેનો અમલ 4 મે, 2022થી થશે તે માટેની જાહેરાત કરી છે. ગૃહ વિભાગે કામચલાઉ રીતે કેટલાક અરજદારોના કિસ્સામાં એમ્પ્લોયમેન્ટ ઑથોરાઇઝેશન ડૉક્યુમેન્ટ્સ એક્સટેન્શન આપવા માટેની નીતિ તૈયાર કરી છે. અગાઉ 180 દિવસ માટે એક્સટેન્શન મળતું હતું તેની જગ્યાએ આપોઆપ 540 દિવસ સુધીનું એક્સટેન્શન મળી શકે છે.
2019માં સુધીમાં એવી સ્થિતિ આવી ગઈ હતી કે અરજીઓની સંખ્યામાં મોટો વધારો થતા આર્થિક રીતે USCIS માટે કામ કરવું મુશ્કેલ બન્યું હતું. કોરોના મહામારીને કારણે કામકાજમાં વિક્ષેપ આવ્યો અને સ્થિતિ 2020ના વર્ષમાં વધારે કપરી બની. નવી ભરતી થઈ શકે તેમ નહોતી અને ઘણા બધા કર્મચારીઓએ નોકરી છોડી પણ દીધી. તેથી કામનું ભારણ અને ભરાવો વધી ગયા હતા.
2021ના વર્ષમાં USCIS કોરોના સંકટમાંથી બહાર આવે અને આર્થિક તથા વહિવટી રીતે ફરી પૂર્ણક્ષમતાએ કામ કરવા લાગે ત્યાં સુધીમાં એવું બન્યું હતું કે EAD માટેની અરજી અને તેના રિન્યૂઅલની અરજીમાં બહુ જ વધારો થયો હતો.
પરિણામે Form I-765ના નિકાલ માટે એટલો સમય લાગવા લાગ્યો હતો કે કેટલીક કેટગરીમાં અરજદારોને 180 દિવસનું ઑટોમેટિક એક્સટેન્શન મળતું હતું તેનાથી પણ વધારે દિવસો થવા લાગ્યા હતા. કામકાજ કરવા માટેની મંજૂરી મળી હોય તેને સમયસર રિન્યૂ કરવા માટેની વ્યવસ્થા હતી તે ભાંગી પડી હતી.
ઘણા બધા અરજદારોની ઑટોમેટિક એક્સટેન્શનની મુદત પણ વીતિ ગઈ છે. તેના કારણે તેમના માટે રોજગારી પ્રાપ્ત કરવી કે નોકરી ચાલુ રાખવી મુશ્કેલ બની ગઈ છે. કંપનીઓએ પણ આવા કર્મચારીની જગ્યાએ અન્ય કર્મચારીને રાખવા પડે, જે હાલમાં કર્મચારીઓની ઊંચી માગ છે ત્યારે મુશ્કેલ બને તેમ છે.
આ રીતે કર્મચારી અને કંપની બંને માટે મુશ્કેલી ઊભી થઈ રહી છે તેને ધ્યાનમાં રાખીને ગૃહ વિભાગે ઑટોમેટિક એક્સટેન્શન મળતું હોય તેના દિવસો લંબાવી દેવા જરૂરી સમજ્યા છે. આ રીતે વધારે લાંબી મુદત સુધી આપોઆપ રિન્યૂઅલ થઈ જતું હોય તો USCIS પર પણ ભારણ ઓછું થાય. તે કામગીરી માટે જરૂરી નવા સ્ટાફની ભરતી પણ કરી શકે અને તે રીતે EAD અરજીના નિકાલ માટેનો સમય ઘટાડી શકે.
ઑટોમેટિક એક્સટેન્શન કોને લાગુ પડશે?
540 દિવસ માટે ઑટોમેટિક એક્સટેન્શનની જાહેરાત થઈ છે તે એવા અરજદારોને લાગુ પડશે, જેઓ હાલમાં 180 દિવસના ઑટોમેટિક એક્સટેન્શન માટે લાયક હોય. તેમને વધારાના 360 દિવસ આપીને USCIS કુલ 540 સુધીનું એક્સટેન્શન લાયક અરજદારોને આપી શકશે. કામચલાઉ ધોરણે આવું થશે અને 4 મે, 2022થી 26 ઑક્ટોબર, 2023 સુધીનો લાભ લાયક અરજદારોને મળી શકશે.
I-765 રિન્યૂઅલ માટે અરજી કરી હોય અને 4 મે, 2022ના રોજ પેન્ડિંગ પડી હોય તેમને કોઈ નવી નોટિસ મોકલવામાં આવશે નહીં. જોકે Form I-797C નોટિસ કે જેમાં 180 દિવસના એક્સટેન્શનનો ઉલ્લેખ હોય છે, તેઓ પણ આ મુદત લંબાવવા માટેની જોગવાઈમાં લાયક ઠરતા હોય તો તેમને પણ લાભ મળી શકે છે. Form I-9, Employment Eligibility Verification ભરવા માટે માર્ગદર્શન ઇચ્છતા હોય તેઓ I-9 Central વેબસાઇટ જોઈ શકે છે.
અમેરિકાના ઇમિગ્રેશન અને નેશનાલિટી અંગેના કાયદાઓ અને નિયમો અંગે આ પ્રકારની માહિતી અને માર્ગદર્શન મેળવવા માગતા હો કે તેના વિશે વધુ જાણવા માગતા હો તો તમે NPZ લૉ ગ્રુપના લૉયર્સનો સંપર્ક સાધી શકો છો. આ માટે ઇમેઇલ કરો info@visaserve.com પર અથવા ફોન કરો 201-670-0006 (104). વધુ માહિતી માટે જુઓ અમારી વૅબસાઇટ www.visaserve.com.
GUJARAT TIME: https://gujarattimesusa.com/automatic-extension-of-employment-authorization-and-employment-authorization-documents-eads-for-certain-renewal-applicants-temporary-final-rule/