શા માટે PERM એપ્લિકેશનને ઓડિટ કરવામાં આવે છે?

નોકરીના આધારે ગ્રીનકાર્ડ મેળવી રહ્યા હો તો તમારા સ્પોન્સરે સૌ પ્રથમ PERM લેબર સર્ટિફિકેટ લેવું જરૂરી છે. અમેરિકાનો શ્રમ વિભાગ એવી ખાતરી કરવા માગતો હોય છે કે વિદેશી કામદારને કારણે અમેરિકાના કામદારની નોકરીની તક જતી ના રહે અને તે માટે PERM પ્રોસેસ જરૂર બનાવાઈ છે. PERM સર્ટિની પ્રોસેસ ચોકસાઇ સાથેની અને સંકુલ હોય છે અને તેને ચૂસ્ત બનાવવા માટે ઘણી વાર સમગ્ર PERM પ્રક્રિયા થઈ ગયા પછી ફરીથી ઓડિટ પણ થઈ શકે છે.

શા માટે PERM અરજીનું ઓડિટ

બે મુખ્ય કારણોસર PERM અરજીનું ઓડિટ થતું હોય છે. રેન્ડમ રીતે ઓડિટ થાય છે અથવા અરજીમાં કોઈ વાંધાજનક બાબત જણાય ત્યારે ઓડિટ થતું હોય છે. સમગ્ર પ્રક્રિયા સુનિશ્ચિત ના બની જાય અને થોડી અનિશ્ચિતતા રહે તે માટે શ્રમ વિભાગ રેન્ડમ ચકાસણીની પદ્ધતિ અપનાવે છે. સિસ્ટમનો ગેરલાભ લેનારાને પણ તેનાથી રોકી શકાય છે.

અરજીની વિગતોને આધારે થતી ચકાસણીમાં ઘણી બાબતોને આવરી લેવાય છે. દાખલા તરીકે ગ્રીનકાર્ડ ઇચ્છતા વિદેશી કામદારને બંધબેસતું આવે તેવું જોબનું વર્ણન હોય તે ધ્યાન ખેંચતું હોય છે. વિદેશી ભાષાની ખરેખર જરૂર ના હોય તો પણ જોબ માટે વિદેશી ભાષાની જાણકારી જરૂરી છે એવું કારણ આપી દેવાતું હોય ત્યારે આવું બની શકે.

એ જ રીતે સામાન્ય રીતે જે કામગીરી કરવા માટે જરૂરી હોય તેના કરતાંય વધારે લાયકાતની જરૂરિયાત જોબના વર્ણનમાં દર્શાવાઈ હોય ત્યારે તે અધિકારીનું ધ્યાન ખેંચતી હોય છે. આવા સંજોગોમાં કંપનીઓએ શા માટે આવી લાયકાતની જરૂર છે તે દર્શાવવું જરૂરી બનતું હોય છે. તેના માટે કંપનીએ કામકાજ અંગેના ચોક્કસ પુરાવા અને માહિતી આપવા પડે.

જે જોબ માટે વિદેશી કામદારે ગ્રીનકાર્ડની માગણી કરી હોય તે માટે જરૂરી લાયકાત તેનામાં છે કે નહિ તેની શંકા ઊભી થાય ત્યારે પણ ટાર્ગેટેડ ઓડિટ થઈ શકે છે. ઘણી વાર અરજદારની શૈક્ષણિક લાયકાત અને અનુભવ જોબ માટે સાનુકૂળ ના હોય તેવું દેખાઈ આવતું હોય છે. તેવા સંજોગોમાં ઓડિટ આવે ત્યારે કંપનીએ વિદેશી કામદાર ખરેખર લાયકાત ધરાવે છે તે સાબિત કરવું પડે.

વિદેશી કામદાર નોકરીદાતા સાથે કૌટુંબિક નાતો ધરાવે છે તેવું જણાય ત્યારે પણ ઓડિટ આવી શકે છે. વિદેશી કામદારની કંપનીમાં કદાચ ભાગીદારી પણ જણાતી હોય ત્યારે પણ ચકાસણી થઈ શકે છે. ભૂતકાળમાં કંપની અને કર્મચારી વચ્ચે કેવા વેપારી કે કામકાજના સંબંધો રહ્યા છે તેની તપાસ પણ થઈ શકે છે. સ્પોન્સર કરનારી કંપનીએ વિદેશી કામદાર પાસેથી પેમેન્ટ મેળવ્યું છે એવું જણાય ત્યારે પણ રેડ ફ્લેગ આવી શકે છે.

ઇમિગ્રેશન લો એટર્નીઝ

ઇમિગ્રેશનના આવા તમને કે તમારા સગા અને મિત્રોને કેવી રીતે અસરકર્તા બની શકે છે તે માટે માહિતી મેળવવા માગતા હો અમારા NPZ Law Group VISASERVE ઇમિગ્રેશન અને નેશનાલિટી એટર્નીઝ તમને માર્ગદર્શન આપશે. સંપર્ક કરો ઇમેઇલથી info@visaserve.com અથવા કોલ કરો આ નંબર પર 201-670-0006 x 107. વધુ માહિતી માટે જુઓ ફર્મની વેબસાઇટ www.visaserve.com

Source: https://gujarattimesusa.com/perm-application-audit/ (Gujarat Times)